Friday, June 8, 2012

With love to Aamir Satya Khan

ઉમ્રભર આમીર યે હી ભૂલ કરતા રહા...!
ઘુલ ચેહરેપે થી ઔર આઇના સાફ કરતા રહા !!
વેદના-સંવેદના - મૃગેશ વૈષ્ણવ
- આમીરખાન નાર્સિર્સિટિક વ્યક્તિત્વ ધરાવે છે પોતાની જાતના પ્રેમમાં તે પોતાને ઊંચો સાબિત કરવા ભલભલાના કપડા ઉતારે છે
તા. ૨૭-૦૫-૧૨ સમય ઃ સવારે ૧૧ વાગ્યે સ્થળ ઃ આમીરખાનની અદાલત. સત્યમેવ જયતે. તોહમતદાર ઃ ભારત દેશના તમામ તબીબો
તોહમત ઃ ક્રીમીનલ પ્રોસીજર કોડની કલમો ૪૨૦, ૪૫૮, ૩૦૭ વગેરે...
ઘુરંધર ધારાશાસ્ત્રીઓ ઃ ટી.વી. શૉમાં હાજર રહેલ હોસ્ટ અને ગેસ્ટ સત્યવાદી હરિશ્ચંદ્રના આખરી વંશજો.
ચુકાદો ઃ તમામ હાલાત અને સાક્ષીઓને તપાસ્યા પછી લોર્ડ આમીરખાન ઉવાચ ‘ઇન્ડિયન ડોક્ટર્સ જુઠે મક્કાર.. કમીને.. વગેર વગેરે.’
સંત આમીરખાન કહે છે... જે તેજસ્વી વિદ્યાર્થીઓ તબીબી અભ્યાસક્રમમાં જોડાય તેમણે માત્ર સેવાના ઉદ્દેશથી જ જોડાવું જોઈએ. જો તેમની ઇચ્છા પૈસા કમાવાની હોય તો તેમણે અન્ય ક્ષેત્રો પસંદ કરવા જોઈએ.
હવે જોઈએ તબીબી અભ્યાસક્રમમાં જોડાતા તેજસ્વી તારલાઓની દાસ્તાને હકીકત.
હાયર સેકન્ડરીમાં સાયન્સ સ્ટ્રીમમાં જોડાયા પછી એસ.એસ.સી. બોર્ડની પરીક્ષાના વેકેશનથી જ ટ્યુશન ક્લાસીસ બે વર્ષ સતત સ્ટ્રેસ ૯૪% લાવવાનું દબાણ બે- ચાર માર્કસ ઓછા આવે તો એમ.બી.બી.એસ.માં એડમિશન લેવા એકાદ ડઝન એન્ટ્રન્સ ટેસ્ટ.
એન્ટ્રેન્સ ટેસ્ટ પાસ કર્યા પછી પણ મેરિટમાં માર્કસ લાવવા છતાં સરકારની કમિટીએ નક્કી કરેલી વાર્ષિક ચારથી પાંચ લાખની ફી બધા જ પ્રાઇવેટ મેડિકલ કોલેજ ઉઘરાવે છે. હવે તો સરકાર અને કોર્પોરેશનો પણ એજ્યુકેશન ટ્રસ્ટ બનાવી પાંચ લાખ સુધીની ફી તબીબી વિદ્યાર્થી પાસેથી લે છે. શિક્ષણનું આ વ્યાપારી કરણ કોણે કર્યું ?
સરકાર દલીલ કરે છે એક ડોક્ટરને તૈયાર કરતા તેમને લાખ્ખો રૂપિયા ખર્ચવા પડે છે કારણ હોસ્પિટલો ચલાવવી પડે છે... સ્ટાફનો ખર્ચ થાય છે. દેશની ગરીબ અને મઘ્યમવર્ગની જનતા માટે મફત કે પછી નજીવા ચાર્જમાં આરોગ્યની સગવડ આપવી એ સરકારની જવાબદારી નથી ?... તો... પછી એ ચલાવવાનો ભાર કન્યાની કેડે એટલે તબીબી વિદ્યાર્થીઓ પર શા માટે ? આમીરખાન પાસે છે આનો જવાબ ?
આમીરખાન સત્યમેવ જયતેમાં એક રાઝ ખોલતા કહે છે કે પ્રાયવેટ મેડિકલ કોલેજો ફી ઉપરાંત ૪૦થી ૫૦ લાખનું ડોનેશન લે છે તો પછી કરો પુરાવા ઉભા, ઉઘાડા પાડો એ લોકોને તમને એ સત્ય તો ખબર હશે જ કે ૯૫% પ્રાઇવેટ મેડીકલ કોલેજોના માલિક રાજકારણીઓ છે, જેમણે તબીબ બનવાના સપના સેવતા મા-બાપને લૂંટવાનો ધંધો ચલાવ્યો છે. સંત આમીર, શું આ સત્યથી અજાણ છો ? અરે મેડિકલ જવા દો, એન્જિનિયરંિગ, કોમર્સ, લૉ, બી.એડ્‌., પી.ટી.સી. કોલેજો સુદ્ધાં ડોનેશન અને તગડી ફી ઉઘરાવે છે મા સરસ્વતીની કતલ કરી શિક્ષણને વેપાર બનાવનાર કાતિલોને શોધવાનો સત્યમેવ જયતેની ટીમને સમય નથી ? આમાંના કોઈને ‘સેવા’નો ભેખ ધારણ કરવાની સલાહ તમે ક્યારેય આપી છે ?
સરકારના ફંડમાંથી બનાવેલ હોસ્પિટલો ઇન્ડસ્ટ્રીયાલીસ્ટોને ચલાવવા આપી એમબીબીએસના પાંચ વર્ષથી પચ્ચીસ લાખની ફી ઓફિસીયલી ઉઘરાવનારાઓની તમને કોઈ જાણ નથી ? શિક્ષણમાં આ ભ્રષ્ટાચાર માટે રાજકારણીઓને નહીં પણ તબીબોને તોહમતદાર બનાવશો ?
હવે આગળ સાંભળો તબીબોની દાસ્તાને દર્દ... સાડા પાંચ વર્ષ ભણ્યા પછી ફરીથી પોસ્ટ ગ્રેજ્યુએમાં એડમિશન માટે તૈયારી કરો. પ્રથમ એમ.બી.બી.એસ.થી માડી તમામ બાવીસ વિષયની એન્ટ્રેન્સ ટેસ્ટ માટે એક- બે- ત્રણ- ચાર વર્ષ તૈયારી કરો, ક્લાસીસ ભરો, એકાદ બે ડઝન પરીક્ષાઓ આપો, પ્રાઇવેટ મેડિકલ કોલેજને કેપિટેશન ફી આપો કારણ માત્ર એમબીબીએસ થઈને શું કરવાનું ? પલાળ્યા પછી મુંડાવું તો પડે જ ને ?
એમ.ડી. કે એમ.એસ.ની જૂની રેસીડેન્સીમાં ચોવીસ કલાક કાળી મજૂરી કરવાની તે પણ લાખો રૂપિયાની ફી આપ્યા પછી ૧૫થી ૨૦ હજારના માસિક પગારમાં જે જુનિયર તબીબો અન રેસીડેન્ટ ડોક્ટરો પર હોસ્પિટલો ચાલે છે એને ૨૮થી ૩૦ વર્ષની ઉંમરે વીસ હજારનો ટુકડો નાખી કહેવાનું... તમને નિષ્ણાત બનાવવા સરકાર ટ્રસ્ટ કેટલો ખર્ચ કરે છે ?
સુખે-દુઃખે એમ.ડી. એમ. એસ. થયા એટલે સફરનો અંત નથી આવતો ડી.એમ. એમ.સી.એચ. ડી.એન.બી. માટે ફરી એક-બે ત્રણ વર્ષ વાંચવાનું ડઝનેક એન્ટરન્સ ટેસ્ટ આપી એકાદ બ્રાંચમાં એડમિશન લેવાનું અને ત્યાં પાછા ચોવીસ કલાકનાના દાડિયા મજૂરની જેમ ત્રણ વર્ષ વેઠમાં જોતરાવાનું કોઈ કહે, ભાઈ અમે ૩૨થી ૩૫ના થયા પરણશું ક્યારે... જીવનમાં સેટલ થવું ક્યારે ? પણ આમીરખાન કહે છે, સેવાના ભેખધારીઓના મોઢામાં આવા વાક્યો ન હોય, છાનામાના સેવા કરો ?!
સેવા કરતા કરતા દર્દીઓના ટોળા માર મારે તો ? માર ખાઈ લો, સિનિયર જુનિયરના રેંગીંગમાં ગરીબ ગાય બની તમારી કતલ થવા દો... કારણ તમે તો નિષ્ણાત તબીબ બનવાના છો ને ?!...
૩૨થી ૩૫ વર્ષે બહાર પડતા આ સુપર સ્પેશ્યાલીસ્ટો શું માણસ નથી ? એમના કુટુંબ પ્રત્યે એમની કોઈ ફરજ નથી ?
શું તબીબો માટે રોટી, કપડા, મકાન, શાકભાજી, અનાજ, પેટ્રોલ વગેરે મફતના સેવાભાવી ભાવમાં પૂરું પાડવાની આમીરખાન પાસે કોઈ સેવાભાવી યોજના છે ખરી ? એમ.બી.બી.એસ., એમ.ડી., એમ.એસ., ડી.એમ. કે એમ.સી.એચ.ને દોઢ બે કરોડના બોન્ડ ભરવા પડે છે. ગામડાઓમાં જવા માટે તો પછી દરેક ધારાશાસ્ત્રી ગામડામાં પબ્લિક પ્રોસીક્યુટર તરીકે નિમાય ઇજનેરો ગામડામાં બે વર્ષ સેવા આપે સી.એ. થયેલ વ્યક્તિ સી.એ.જી.માં બે વર્ષ સેવા આપે એવો કોઈ કાયદો ખરો ?
આટલું બઘું ભણ્યા પછી કે પ્રાઇવેટ પ્રેક્ટિસ કરી ન શકાય અને કોર્પોરેટ ક્ષેત્રમાં ફરી નિષ્ણાત તબીબોનું શોષણ આ સત્યથી તમે વાકેફ છો આમીર ?
આમીરખાનના આ શૉમાં ડોક્ટરના પ્રતિનિધિ તરીકે ડો. દેવીશેટ્ટી, ડો. ત્રેહાન, ડો. ગુલાંટી વગેરેને આમીરે આમંત્ર્યા છે. આ ઘુરંધર તબીબોની હિન્દુસ્તાનભરમાં સંખ્યાબંધ કોર્પોરેટ હોસ્પિટલોની ચેઇન ચાલે છે. આ તબીબી ઇન્ડસ્ટ્રીયાલીસ્ટો કહે છે કે ડોક્ટરો મોંઘી દવા લખવાના અને લેબોરેટરીમાં ટેસ્ટ મોકલવાના પૈસા લે છે. આવી વાતો સેન્શેસન જગાવવા માટે છે. લીડીંગ એક્ટર ન્યુકમરને બિસ્તરમાં લેટવાનું કહે છે, વકીલ પૈસા લઈને બન્ને ય બાજુના લોકોને ખંખેરે છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તેમના ક્લાયન્ટનો ટેક્ષ બચાવતા શીખવે છે અને ટેક્ષ ડિપાર્ટમેન્ટને માહિતી આપી પૈસા પડાવે છે... વગેરે વગેરે... તમામ વ્યવસ્થા માટે આવું કહેવાય છે હજારો બે-ચાર કિસ્સામાં આવું બનતું પણ હોય પણ એ માટે તમામ લોકોને બદમાશ, જુઠ્ઠા ચોર કહી શકાય ?
હવે સંત આમીર વિશેના સત્યો જાણો... સ્ક્રીઝોફેનિયાથી પીડાતા સગાભાઈ માટે તેઓ સેવાભાવ ન રાખી શક્યા. ઘરમાંથી કાઢી મૂક્યા કુદરતને ખોળે મૂકી દીધા.
ચડતી- પડતી સુખ-દુઃખની સાક્ષી અને સાથીદારને નોવેલ્ટીના શોખીન આમીરે તલ્લાક તલ્લાક તલ્લાક કરી પાણીચું પકડાવી દીઘું.
૧૯૯૦માં તેમની રીલીઝ થયેલી ફિલ્મ ‘દિલ’ને ફિલ્મફેર એવોર્ડ ન મળ્યો ત્યારપછી ફિલ્મફેરથી દૂર રહ્યા પણ દેશપ્રેમી સરફરોશ આમીર ઓસ્કાર લેવા હડિયાપાટુતાથી દોડ્યા.
લર્નંિગ ડીસએબીલીટી પરની એક ફિલ્મથી પૈસો, નામ, બઘું કમાયા આવા બાળકોના લાભાર્થે ક્યાંય દાનની પાવલી ન આપી. ઇન્ડિયન સાઇકીયાટ્રીની વેસ્ટઝોન સી.એમ.ઇ.માં અમે મુખ્ય મહેમાન તરીકે બોલાવી લર્નંિગ ડીસએબીલીટી પર બોલવા આમંત્રણ આપ્યું તો તેમને કહ્યું, ‘મૈં બહોત બીઝી હું, ઇન સબ મામુલી કામો કે લીયે સમય નહીં રહે...!’
અમને તમામ સાઇકીયાટ્રીસ્ટોને ખાતરી થઈ. આમીરખાન નાર્સિર્સિસ્ટીક પર્સનાલીટી ધરાવે છે તે પ્રેમ માત્ર પોતાની જાતને જ કરે છે. મોટા મોટા વિષયો પર પિક્ચર બનાવી તેઓ પોતાનું આત્મસન્માન અને પ્રતિષ્ઠા વધારવા હવે એટલો અધીરો થયો છે કે જે આવે એના ટાંટીયા ખેંચી ગર્વથી કહે છે કે આમીર કેટલો મહાન છે... સત્યમેવ જયતે.
ભાઈ આમીર... તા. ૨૭મી મેના શૉમાં તમે તબીબોને બદનામ કરી ત્રણ કરોડની રકમ એક એપિસોડ માટે ખંખેરી લીધી ને ? છતાં ય તમે આદર્શો અને સિદ્ધાંતોનો અવતાર અને અમે બધા ચોર ! આમીરજી, ભારતભરના અપમાનિત તબીબો તમને પૂછે છે...
હમ કહે વો જૂઠ, તુમ કહો વો સચ...
તુમ કો સબ મુઆફ, જુલ્મ હો કે લૂંટ !?
આમીરખાન, સત્યમેવ જયતેના આવા પોકળ નાટકો કરવાથી તમને ક્ષણિક લાભ કદાચ મળતો હશે પણ અસત્યના પ્રચારક સમી તમારી જાતને ઓળખવા આઇનાને નહીં તમારા ચહેરા પરની ઘૂળને સાફ કરો ભાઈ !

No comments:

Post a Comment